મહેસાણા જિલ્લામાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે.તો આ વર્ષે જિલ્લામાં ચોમાસું નબળું રહ્યું હોવાથી મોંઘવારી વધવાની સ્થિતિ ઉભી થઈ છે.તો મહેસાણા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના તળાવોમાં પાણીનો સ્ટોક ચિંતાજનક હોવાનું જોવા મળ્યું છે. જિલ્લા પંચાયતના મુખ્ય ત્રણ તળાવો જેમાં નિંદરડીનું તળાવ ચોમાસાની સિઝનમાં માત્ર 30 ટકા જ ભરાયું છે. જયારે કડી તાલુકામાં સીઝનનો 100 ટકા ઉપરાંતનો વરસાદ થવાથી થોળ સિવાયના તળાવોની સ્થિતિ સારી હોવાનું વિભાગ દ્વારા જણાવ્યું છે, જોકે અન્ય તાલુકામાં તળાવો સામાન્ય ભરેલા હોય આગામી શિયાળાના અંત ભાગથી પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

મહેસાણા જિલ્લા પંચાયયતના સિંચાઈ વિભાગ હસ્તક નાના-મોટા 200 થી વધુ તળાવો આવેલા છે.ચોમાસામાં યોગ્ય માત્રામા વરસાદ પડયો ન હતો. જેથી મહેસાણા જિલ્લાના મોટાભાગના તળાવ ખાલી રહેવા પામ્યા છે, તો જે તળાવો વરસાદથી ચોમાસામાં ભરાયા હતા તેમાં હાલમાં સામાન્ય પાણીનો જથ્થો સચવાયો છે. મહેસાણા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ત્યારે જિલ્લામાં 6.50 લાખથી વધુની સંખ્યામાં દુધાળા પશુ આવેલા છે. આ પશુઓ પૈકી મોટાભાગના પશુઓ તળાવમા સંગ્રહિત પાણી પર નભતા હોય છે.

જિલ્લામાં સિંચાઈ વિભાગના 200 થી વધારે જેટલાં તળાવોમાં સામાન્ય જેટલો પાણીનો જથ્થો સચવાયો છે, ત્યારે શિયાળામાં જ તળાવો ખાલી ખમ થવાની ભીતિ પશુપાલકો સેવી રહ્યા છે. ત્યારે આગામી ઉનાળામાં તળાવોમાં પાણીના અભાવે પશુઓ અને પશુપાલકોની હાલત દયનિય બનવાની સંભાવના પણ પશુપાલકો સેવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો