કોર્ટ વિભાજનમાં સર્જાયેલી વિસંગતતા દૂર કરવાની માંગ સાથે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન દ્વારા ગુરુવારના રોજ મૌન રેલી યોજવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી વકીલોની હડતાળના સમર્થનમાં યોજાયેલી આ રેલીના અંતે વકીલ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર ર્ડા.હર્ષિત ગોસાવીને આવેદનપત્ર પાઠવી પડતર માગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટ વિભાજનના મુદ્દે લાંબા સમયથી વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં, હડતાળના સમયગાળા દરમિયાન પ્રશાસન કે સરકાર તરફ્થી સંતોષકારક નિરાકરણ આવ્યું ન હોવાનો વકીલ મંડળે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત, આ ગંભીર મુદ્દે મુખ્યમંત્રી દ્વારા રૂબરૂ મુલાકાત માટે સમય ફાળવવામાં આવ્યો ન હોવાને કારણે વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે.આ અંગે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ રાજેન્દ્ર એન. બારોટે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર અને પક્ષકારોના હિત સાથે જોડાયેલા આટલા સંવેદનશીલ મુદ્દે સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે. કોર્ટ વિભાજનમાં સર્જાયેલી વિસંગતતા દૂર કરી વકીલોની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જરૂરી છે. તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા વહેલી તકે આ વિસંગતતા દૂર કરવામાં નહીં આવે અને હકારાત્મક ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી દિવસોમાં વકીલ મંડળ દ્વારા વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા યોજાયેલી આ મૌન રેલીના માધ્યમથી વકીલોએ પોતાની માંગણીઓ પ્રત્યે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. હવે, આ મુદ્દે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે અને વકીલોની માંગણીઓનો ક્યારે ઉકેલ આવે છે તેના પર સૌની નજર છે.
