વિસનગર તાલુકાના ગોઝારિયા ગામની અલકાપુરી સોસાયટીમાં વાંદરાઓનો ઉપદ્રવ સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલા પાંચ વર્ષના બાળક પર વાંદરાએ અચાનક હુમલો કરી તેને જમીન પર પછાડી દેતાં પરિવારજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. આ સમગ્ર ઘટના બાળકના દાદા મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે બાળકને ગંભીર ઇજા થઈ નહોતી. ઘટનાની વિગતો મુજબ, અલકાપુરી સોસાયટીમાં રહેતો પાંચ વર્ષીય વેદ પંડયા સવારે ઘરના આંગણામાં રમતો હતો. આ દરમિયાન તેના દાદા સંજયભાઈ પંડયા સોસાયટીમાં યોગ કરી રહ્યા હતા અને સાથે પૌત્રનો વીડિયો પણ ઉતારી રહ્યા હતા. એ જ સમયે અચાનક એક વાંદરો પાછળથી દોડી આવ્યો હતો અને વેદનો પગ પકડી તેને જમીન પર પછાડી દીધો હતો. અણધારી ઘટનાથી પરિવારજનો ગભરાઈ ગયા હતા. જોકે, બાળકને કોઈ ગંભીર ઇજા પહોંચી નહોતી. તો બીજીતરફ સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. વાંદરાઓના કારણે રહીશો ઘરની બહાર કે ઓસરીમાં બેસતાં પણ ખચકાય છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજે બાળકો તથા વડીલો ઘરની બહાર નીકળતાં ભય અનુભવે છે. અગાઉ પણ આ સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પગલાં લઈ વાંદરાઓના ઉપદ્રવમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માગ ઉઠી છે.
