ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં તેમજ ઉત્તર પૂર્વીય દિશામાંથી 13 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાતાં સમગ્ર ઉત્તર ગુજરાત છેલ્લા બે દિવસથી 11-12 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઠંડીમાં ઠુંઠવાયું હતું. ગરીબ અને સ્લમ વિસ્તારના રહીશોએ વહેલી સવારે અને મોડી રાત્રે તાપણાંનો સહારો લેવો પડયો હતો. હવામાન વિભાગ દ્વારા મળતા સંકેત અનુસાર આગામી દિવસ દરમ્યાન ઠંડીનો ચમકારો વધશે.કાતિલ ઠંડીના કારણે બપોરે પણ વાહન ચાલકો અને રાહદારીઓ સ્વેટર, ટોપીમાં સજ્જ થઈ રાજમાર્ગો ઉપર નીકળ્યા હતા. હજુ આગામી પાંચ દિવસ ઠંડીનું જોર વધવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી ગગડીને 7 ડિગ્રી પહોંચી જશે.
લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી હોવા છતાં ઠંડા પવનના સુસવાટાના કારણે 9 ડિગ્રી તાપમાનનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આપેલા સંકેત અનુસાર ગુરુવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, શુક્રવારે 11 ડિગ્રી સેન્ટિગ્રેડ અને શનિવારે 10 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાશે. વહેલી સવાર અને મોડી રાત્રે વધુ ઠંડી અનુભવાશે. બ્લડપ્રેસર અને હૃદયના દર્દીઓ માટે આ ઠંડીમાં બહાર નીકળવાનું અસહ્ય બનશે. હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફુંકાય રહ્યા છે. ઠંડીનો ચમકારો વધતાં કૃષિ જગતમાં ઉત્સાહની લાગણી ફેલાઈ છે. ઠંડીનું જોર વધતાં ઘઉં, રાયડા જેવા પાકોને અનુકુળ વાતાવરણ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.










