લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બુધવારે ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી હતી. વડનગર ખાતે આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સહભાગી બન્યા બાદ તેમણે નગરના વિવિધ ઐતિહાસિક, શૈક્ષણિક અને વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લઈ તેની વિશેષતાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સૌપ્રથમ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવની મુલાકાત બાદ તેઓ પ્રેરણા સ્કૂલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય અને સહજ સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓના અભ્યાસ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાની કામગીરી અંગે માહિતી મેળવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણના માધ્યમથી આગળ વધી રાષ્ટ્રના વિકાસ અને નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ સાથેનો તેમનો આ સંવાદ મુલાકાતનું વિશેષ આકર્ષણ બન્યો હતો.

વડનગરની ઐતિહાસિક ઓળખ, કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા મ્યુઝિક ઓફ્ મ્યુઝિક, બી.એન. હાઈસ્કૂલ તેમજ વડનગર રેલવે સ્ટેશનની ઓમ બિરલાએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમની મુલાકાત લઈ વડનગરના સમૃદ્ધ અને હજારો વર્ષ જૂના પુરાતત્ત્વીય વારસાનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુઝિયમમાં પ્રદર્શિત પુરાતત્ત્વીય અવશેષો અને ખોદકામ દરમિયાન મળી આવેલી ઐતિહાસિક ધરોહર અંગે તેમણે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વડનગરના ઐતિહાસિક વારસા, સાંસ્કૃતિક મહત્ત્વ તેમજ અહીં હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની વિશેષતાઓથી લોકસભા અધ્યક્ષને માહિતગાર કર્યા હતા. વડનગરની પ્રાચીન વિરાસત અને આધુનિક વિકાસના સમન્વયને નિહાળીને ઓમ બિરલાએ નગરના ઐતિહાસિક મહત્ત્વ અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.