મહેસાણા શહેરના રાજમાર્ગો ઉપર પતંગ, દોરી, ચશ્માં, મુખૌટા અને ટોપીઓની ઠેર ઠેર હાટડીઓ મંડાઈ ગઈ છે. ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો બાકી હોવાના કારણે બજારમાં શહેરી અને ગ્રામીણ ગ્રાહકોનો ધસારો વધ્યો છે. ઘરાકી ખૂલતાં પતંગ-દોરીનું છુટક વેચાણ કરનાર લારી ધારકોના વેપાર-ધંધામાં તેજીનો માહોલ છવાયો છે. છેલ્લી ઘડીએ ખરીદારી કરવાના બદલે એડવાન્સમાં જ લોકોએ ખરીદી શરૂ કરતાં મંદીનો માહોલ દૂર થયો છે. જેનો કેટલાક વેપારીઓએ પતંગ અને દોરીના ભાવમાં પણ વધારો કરી ગેર ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે.


પતંગો ઉપરાંત, મકર સક્રાંન્તિ દરમ્યાન આકાશી યુધ્ધ સમયે બાળકો અને યુવાનો દ્વારા ચહેરા ઉપર પહેરાતા મુખવટા અને રંગબેરંગી પીપુડાં ઉપર પણ શ્રીરામનાં ચિહનો જોવા મળી રહ્યાં છે. રંગબેરંગી ચશ્માં બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે.

અગાસીઓ ઉપર ચઢી આકાશી યુધ્ધ ખેલતા પતંગ રસીયાઓમાં ખાણી-પીણીનો શોખ પણ ગજબનો હોય છે. ચીકી, કચરીયાં અને ઊંધીયા, જલેબીનું વેચાણ કરનાર ફરસાણ માર્ટમાં પણ ઉત્સાહનો માહોલ છે. અહેવાલમાં ઈન્સેટ કરેલી તસ્વીરમાં મહેસાણાના રાજમાર્ગો ઉપર વિવિધ રંગોના પતંગ, દોરીની ફિરકીઓ, વિવિધ પ્રકારના મુખવટા, ચશ્માં અને પીપુડાંની હાટડીઓ મંડાઈ છે અને ખરીદદારોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: