મહેસાણા જિલ્લામાં અસહ્ય અને કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ત્યારે ખેડૂતો દ્વારા રવિ સીઝનમાં ભારે વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં રવિ સીઝનનુ 1,88,906 હેકટર વાવેતર નોંધાયું છે. સીઝનની શરૂઆતથી અત્યાર સુધી જિલ્લામાં ઘઉં અને રાયડાના પાકનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે, તો જિલ્લામાં અન્ય તાલુકાની સાપેક્ષે વિજાપુર તાલુકામાં રવિ સિઝનના પાકનું સૌથી વધુ વાવેતર નોંધાયું છે.

શિયાળાની શરૂઆત સાથે જ મહેસાણા જિલ્લામાં રવી સીઝનના કૃષિ પાકોના વાવેતરનો પ્રારંભ કરાયો હતો.જેમાં ઘઉંનું 68,178 જયારે રાયડાનું 23,765 તો તમાકુનુ 23,885 હેક્ટરમા વાવેતર કરવામાં આવ્યુ છે. જિલ્લામાં શિયાળાની ઠંડી સાથે સાથે ખેડૂતો દ્વારા રવી સીઝનમાં પુરજોશમાં વાવેતર કરવામાં આવ્યું છે.ત્યારે જિલ્લામાં પડી રહેલી કાતિલ ઠંડી પગલે ઘઉંના વિપુલ ઉત્પાદનની આશા ખેડૂત આલમમાં સેવાઈ છે.

મહેસાણા જિલ્લામાં ખરીફ્ સિઝનમાં કપાસ સહીત રોકડિયા પાકોનુ સારુ ઉત્પાદન થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.તો દિવાળી બાદ રવી સીઝનની શરૂઆત થતી હોય છે.ત્યારે જિલ્લાના મહેસાણા,વિસનગર, ખેરાલુ, વડનગર, સતલાસણા, ઊંઝા, વિજાપુર, કડી, બેચરાજી તેમજ જોટાણા તાલુકામા દિવાળી બાદ રવિ સીઝનના પાકોના વાવેતર માટે ખુબ અનુકૂળ વાતાવરણ હોવાથી ખેડૂતો વાવેતરમા જોતરાયા હતા.જિલ્લાના તમામ 10 તાલુકામા નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી વાવેતર શરૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં વાવેતર પૂર્ણ થતા જિલ્લાનું 1,88,906 હેકટરમાં ઘઉં, રાયડો, તમાકુ, મકાઈ,જુવાર, જીરું, વરીયાળી, શાકભાજી સહીત પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં સુધી સૌથી વધુ વિજાપુર તાલુકામા 36 હજારથી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે, તો સૌથી ઓછું જોટાણા તાલુકામા રવિ વાવેતર થયું છે. જોકે મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ઠંડીનું જોર વધ્યું છે. તેને લઈ ઘઉં, રાયડો સહિત પાકને ભારે ફાયદો થવા સાથે સારું ઉત્પાદન રહેવાની પણ ધારણા ખેડૂતોમાં સેવાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો