ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રાજ્યમાં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તેમજ રાગીની સીધી ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિવિધ પાકના નક્કી કરાયેલા ટેકાના પ્રતિ કિવન્ટલ ભાવ ડાંગર (કોમન) રૂ.2,441, ડાંગર (ગ્રેડએ) રૂ.2,461, મકાઈ રૂ.2,410, બાજરી રૂ.2,900 વધારાનું બોનસ રૂ.300, જુવાર (હાઈબ્રીડ) રૂ.4,023 વધારાનું બોનસ રૂ.300, જુવાર (માલદંડી) રૂ.4,073 વધારાનું બોનસ રૂ.300 અને રાગી રૂ.5,205 વધારાનું બોનસ રૂ.300 પાકના નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે.

મહેસાણા જિલ્લાના ખેડૂતોએ ર, ઓકટોબરથી 31, ઓકટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ઓન લાઈન નોંધણી કરાવવાની રહેશે. ખરીદીનો સમય 16, નવેમ્બરથી 15, જાન્યુઆરીનો રહેશે. નોંધણી અને જથ્થાની ખરીદી સમયે ખેડૂત ખાતેદારોનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. લઘુતમ ટેકાના ભાવે પાક વેચવા ઈચ્છતા ખેડૂતોએ નોંધણી આધારકાર્ડની નકલ, તાજેતરનો ગામ નમૂનો 7/12 અને 8/અ, 7/12 કે 8/અ માં વાવણી અંગેની એન્ટ્રી ન હોય, તો તલાટી-કમ-મંત્રીનો સહી-સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેકની નકલ આપવાની રહેશે.

નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદીના સમય અને સ્થળ અંગે SMSમારફ્તે જાણ કરવામાં આવશે. ખરીદી વખતે ખેડૂતે પોતાનું આધારકાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ચકાસણી દરમિયાન જો કોઈ ખોટા કે બનાવટી ડોક્યુમેન્ટ અપલોડ થયેલા જણાશે તો ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે અને ખરીદી માટે કોઈ જ કૉલ/SMS કરવામાં આવશે નહીં. નોંધણી અંગેની વધુ માહિતી અથવા મુશ્કેલી માટે નિગમના હેલ્પલાઈન નંબર 85111 71718, 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો