વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી બી એન.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ તાલુકા શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભા દર્શાવતા વિવિધ પ્રેરણાદાયી અને સંદેશાત્મક ચિત્રો તૈયાર કરી સ્પર્ધાને જીવંત બનાવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવેલા ચિત્રોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી. ઉપસ્થિત અગ્રણીઓ અને શિક્ષકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને આગામી કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક અભિરુચિ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને બળ પૂરું પાડતી આ સ્પર્ધા સમગ્ર જિલ્લામાં ખૂબ જ સફ્ળ રહી હતી.