મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને ભાડાનાં મકાનોમાં ચાલતી જૂની આંગણવાડીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે સ્માર્ટ સિટી કોન્સેપ્ટ હેઠળ નવી સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવી છે. આંગણવાડીઓમાં આકર્ષક રંગરોગાન, થ્રી-ડી પેઇન્ટિંગ્સ અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જોકે, શોભાસણ રોડ સહિતના વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલાં આંગણવાડીનાં ભવનો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી બાળકોને તેનો લાભ મળી શકતો નથી. નવનિર્મિત આંગણવાડીઓની આસપાસ જાળવણીના અભાવે સૂકાં પાંદડાં અને કચરો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ બાંધકામની સામગ્રી પણ પડી છે. બાળકોના શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટે બનાવવામાં આવેલાં આ કેન્દ્રો તૈયાર હોવા છતાં શરૂ ન થતાં સ્થાનિકોમાં સવાલો ઊઠી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલાં ભવનોનો ઉપયોગ ક્યારે શરૂ થશે અને બાળકોને તેનો લાભ ક્યારે મળશે તે અંગે લોકોમાં ચર્ચા છે. આ અંગે મહાનગરપાલિકાના તંત્રનો સંપર્ક સાધતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલીક નાની-મોટી યુટિલિટી સંબંધિત કામગીરી બાકી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં આંગણવાડીઓ સંબંધિત વિભાગને સંચાલન માટે સોંપવામાં આવશે. જોકે, તંત્ર દ્વારા ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે આ સ્માર્ટ આંગણવાડીઓ ક્યારે શરૂ થશે અનેબાળકોને આધુનિક સુવિધાઓનો લાભ ક્યારે મળશે તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો