મહેસાણા જિલ્લા સેવા સદન ખાતે મંગળવારના રોજ પોલીસ તંત્ર દ્વારા અચાનક પહોંચીને આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સરકારી કચેરીની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાના આશયથી હાથ ધરાયેલા આ સરપ્રાઈઝ ચેકિંગને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં ક્ષણભર માટે ભારે કૌતુક અને ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા તપાસ અંતર્ગત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતનો વિશાળ પોલીસ કાફ્લો કલેક્ટર કચેરી પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો. કચેરીમાં પ્રવેશતાની સાથે જ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સામાન્ય નાગરિકો તેમજ અરજદારોના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. મહેસાણા કલેકટર કચેરીમાં તપાસ કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર સહિત તમામ નાના-મોટા રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને અંદર હાજર લોકોને બહાર નીકળવા તેમજ બહારથી કોઈને અંદર ન આવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન બીડીડીએસની ટીમ અને શ્વાન દળે મોરચો સંભાળ્યો હતો. આધુનિક મેટલ ડિટેક્ટર્સ અને વિશેષ ઉપકરણોની મદદથી સુરક્ષા ટીમોએ કલેક્ટર કચેરી પરિસરના પાર્કિંગ એરિયા, રેકોર્ડ રૂમ, વિવિધ સરકારી શાખાઓ તેમજ તમામ અતિ સંવેદનશીલ સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ખૂણે-ખૂણાની સઘન તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સઘન આકસ્મિક ચકાસણી પૂર્ણ થયા બાદ સ્થિતિ પૂર્વવત થઈ હતી અને કચેરીનું કામકાજ પુનઃ વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જેથી અરજદારો અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો