મહેસાણા જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો બાળમેળો-2026 ઉત્સાહભેર યોજાયો હતો. રાજ્યસભાના સાંસદ મયંક નાયક, લોકસભાના સાંસદ હરિ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષિલ મીના, આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફ્સિર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી બાળકોના સર્વાંગી વિકાસ, પાયાના શિક્ષણ અને પ્રારંભિક બાળશિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડયો હતો. તેમણે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે આવા બાળ મેળાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોવાનું જણાવ્યું હતું. બાળ મેળામાં આંગણવાડીના નાનાં ભૂલકાંઓએ સ્વાગત ગીત, નાટક, બાળગીત, દેશભક્તિ ગીત અને બાળ અભિનય જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકોના નિર્દોષ અભિનય અને ઉત્સાહે સમગ્ર કાર્યક્રમમાં આનંદમય માહોલ સર્જ્યો હતો. આ ઉપરાંત વિવિધ કાર્ટૂન કેરેક્ટર્સ બાળકો માટે વિશેષ આકર્ષણ અને મનોરંજનનું કેન્દ્ર બન્યાં હતાં. મનોરંજનની સાથે બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય અને શીખવાની પ્રક્રિયા વધુ સરળ તથા રસપ્રદ બને તે હેતુથી આઈ.સી.ડી.એસ.ના વિવિધ ઘટકોની કાર્યકર બહેનોએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવતા વિવિધ ટીચિંગ, લર્નિંગ મટેરિયલ તૈયાર કરી તેનું પ્રદર્શન યોજ્યું હતું. જ્યારે પી.એસ.ઈ. ઇન્સ્ટ્રક્ટરો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત લોકો માટે વિશેષ આકર્ષણરૂપ બન્યું હતું.
