મહેસાણાના માનવાશ્રામ પાસે ગાંધીનગર રોડ પર ગાયત્રી મંદિર નજીકથી પસાર થતી વરસાદી લાઈનમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરનું દુર્ગંધ મારતું દૂષિત પાણી છોડવામાં આવતાં સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કેનાલમાં ભરાયેલા ગંદા પાણીના ફોટા મોકલી સ્થાનિકોએ આ સમસ્યા ઉજાગર કરી હતી. વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી કેનાલમાં નિયમો અને ગાઈડલાઈનના ભંગ સાથે ગટરનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ગંદા પાણીનો નિકાલ કરાતાં આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. જેના કારણે સ્થાનિક રહીશોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. આ સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા મનપા તંત્ર અને કોર્પોરેટરોને વારંવારરજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ત્યારે વરસાદી કેનાલમાં ગટરનું પાણી છોડવાની સમસ્યા અટકાવી રહીશોને રાહત મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
