ગણોતધારા હેઠળની જમીનોને જૂની શરતમાં ફેરવવા અથવા બિનખેતી (NA) કરવા માટે વસૂલવામાં આવતા પ્રીમિયમની ગણતરીમાં કબજાની તારીખ ક્યારથી ગણવી તે અંગે મહત્ત્વનો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 7, નવેમ્બરના રોજ જાહેર કરાયેલા પરિપત્રથી કબજાના સમયગાળાની ગણતરી અંગે પ્રવર્તતી મૂંઝવણનો અંત આવ્યો છે. પરિણામે જમીનધારકો, ખેડૂતો અને ખાતેદારોને મોટી રાહત મળશે. મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગણોતધારા હેઠળ મળેલી પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી અને અવિભાજ્ય શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા કે બિનખેતી ઉપયોગ માટે મંજૂરી મેળવવા પ્રીમિયમ ભરવાનું હોય છે. આ પ્રીમિયમનો દર જમીન પર કેટલા વર્ષથી કબજો છે તેના આધારે નક્કી થશે. ગણોતધારાની કલમ 32(ગ) અને 32(ઓ) હેઠળ મળેલી જમીનોના કિસ્સામાં મામલતદાર અથવા કૃષિપંચના હુકમમાં ગણોતિયાનો હક્ક સ્થાપિત થયો હોય તે તારીખ એટલે કે ડેટ ઓફ્ ડીમ્ડ પરચેઝથી કબજાનો સમયગાળો ગણવામાં આવશે. જો કે, સંબંધિત હુકમમાં ચોક્કસ તારીખ કે વર્ષનો ઉલ્લેખ ન હોય તેવા કિસ્સામાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલા ગામ નમૂના 7/12ના પાણીપત્રકમાં ખેડની રીતના કોલમ નં.3માં દર્શાવેલા વર્ષને કબજાની શરૂઆતના વર્ષ તરીકે ધ્યાને લેવામાં આવશે. કલમ 32(પી)(2)(સી) અને 84(સી)(4) હેઠળ નવી અને અવિભાજ્ય શરતે ગ્રાન્ટ થયેલી જમીનોના કિસ્સામાં કબજાનો સમયગાળો ગ્રાન્ટ હુકમની તારીખથી ગણવાનો રહેશે. આવી જમીનના ગ્રાન્ટ હુકમની તારીખથી 15 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી જમીનનું વેચાણ કે જૂની શરતમાં ફેરબદલી કરી શકાશે નહીં. આમ, ગ્રાન્ટ હુકમની તારીખને જ કબજાની ગણતરી માટે આધારભૂત તારીખ તરીકે સ્પષ્ટ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગે કબજાની તારીખની ગણતરી અંગે અગાઉ આપવામાં આવેલી વિરોધાભાસી સૂચનાઓ રદ કરીને નવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આથી રાજ્યભરમાં જમીન સંબંધિત અરજીઓની પ્રક્રિયામાં એકસમાન નીતિ અમલમાં આવશે. કબજાની તારીખ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા મળતાં હવે 15 વર્ષથી વધુ કે ઓછા સમયના કબજાના આધારે પ્રીમિયમ નક્કી કરવામાં સરળતા રહેશે. અગાઉ અલગ-અલગ અર્થઘટનને કારણે ઊભી થતી વહીવટી મુશ્કેલીઓ દૂર થશે અને ખેડૂતો તથા જમીનધારકોની અરજીઓનો ઝડપી અને પારદર્શક નિકાલ થઈ શકશે.
