ઉ.ગુજરાતના રેલવે અને પ્રવાસન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ગણાતા તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે લાઇન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આશરે રૂ.3,050 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી 117 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન શરૂ થતાં વડનગરથી અંબાજી સુધી સીધી ટ્રેન દોડવાનો માર્ગ મોકળો થશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં યાત્રાધામ અંબાજી આવતા લાખો શ્રધ્ધાળુઓને રેલવે મુસાફરીની મોટી સુવિધા ઉપલબ્ધ થશે. આ મહત્ત્વાકાંક્ષી રેલવે પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર રૂટ ઉપર 15 નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત પહાડી અને દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઇનને ધ્યાનમાં રાખીને 11 સુરંગો (ટનલ) અને 54 મોટા પુલ બનાવવાનું આયોજન છે.

અંબાજી ગુજરાતનું પ્રસિધ્ધ શક્તિપીઠ અને લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. હાલ અંબાજી પહોંચવા માટે વિવિધ પરિવહન સાધનોનો ઉપયોગ કરવો પડે છે. નવી રેલવે લાઇન કાર્યરત થતાં વડનગર સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અંબાજી પહોંચવું વધુ સરળ અને સુવિધાજનક બનશે. ખાસ કરીને ભાદરવી પૂનમના મેળા સહિતના ધાર્મિક પ્રસંગોએ આવતા શ્રધ્ધાળુઓને તેનો લાભ મળશે. આ રેલવે પ્રોજેક્ટ માત્ર ધાર્મિક યાત્રા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ઉત્તર ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રેલવે કનેક્ટિવિટી વધવાથી અંબાજી, તારંગા હિલ અને આસપાસનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની અવરજવર વધશે. તેના પરિણામે હોટેલ, પરિવહન, વેપાર-ધંધા અને સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે. 117 કિલોમીટર લાંબી આ નવી રેલવે લાઇન ઉત્તર ગુજરાતના રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવશે. રૂ.3,050 કરોડનો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ધાર્મિક પ્રવાસન, સ્થાનિક વેપાર અને પ્રાદેશિક વિકાસને નવી દિશા મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો