મહેસાણા શહેરમાં વહેલી સવારે બાઇક પર દુકાને જઈ રહેલા એક વેપારીને નિશાન બનાવી સ્પોર્ટ્સ મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો ગળામાંથી રૂ. 2.60 લાખની કિંમતની બે તોલાની સોનાની ચેઇન ઝૂંટવી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે મહેસાણા સીટી બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેસાણાના મોઢેરા રોડ સ્થિત ગંગાસાગર સોસાયટીમાં રહેતા અને ચા-નાસ્તાનો વેપાર કરતા 50 વર્ષીય માનસિંગભાઈ નાનસિંગભાઈ રાજપૂત વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાના સંબંધી સાથે બાઇક પર દુકાને જઈ રહ્યા હતા. તે દરમિયાન મોઢેરા ચોકડી નજીક વી-માર્ટ શો રૂમ પાસે કાળા રંગનું જેકેટ પહેરી સ્પોર્ટ્સ બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા હતા. જેમાં બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે મોઢે કપડું બાંધ્યું હતું. બંને શખ્સો વેપારીના ગળામાંથી આશરે બે તોલાનો સોનાનો દોરો (કિંમત રૂ. 2,60,000) ઝૂંટવી નાગલપુર તરફ્ ભાગી ગયા હતા. બનાવ બાદ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં ભોગ બનનાર વેપારીએ મહેસાણા સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ગઠિયાઓને ઝડપી પાડવા ઘટનાસ્થળના સીસીટીવી કેમેરા અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં ચેઇન સ્નેચરો દોરો ઝૂંટવી લેતા નજરે પડયા હતા. પોલીસે ફૂટેજમાં દેખાતા શખ્સોના હુલિયા અને વાહનની વિગતોના આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો