મહેસાણા સ્થિત ડ્રોન કંપની પ્રાઇમ યુએવી પ્રા. લિ. દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન અનોખી અને નવીન પહેલ હાથ ધરવામાં આવી હતી. શહેરના પરા તળાવ ખાતે ડ્રોન ટેક્નોલોજીની મદદથી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિશેષ ક્ષમતા ધરાવતા ડ્રોન દ્વારા ગણપતિ બાપ્પાની પ્રતિમાને સુરક્ષિત રીતે ઉપાડી તળાવ સુધી લઈ જવામાં આવી હતી અને વિધિવત્ વિસર્જન કરવામાં આવ્યું હતું. અનોખી ટેક્નોલોજીથી કરવામાં આવેલા આ વિસર્જનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાનાં મેયર સોનલબેન ઓજા, પ્રદેશ કારોબારી સભ્ય ભાવિશાબેન, ડેપ્યુટી મેયર રમેશ તેમજ કોર્પોરેટર ભાવનાબેન, શ્રોણિકભાઈ, રાકેશભાઈ, વિશાલ ઠાકોર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડ્રોન ટેક્નોલોજીના આ અનોખા ઉપયોગનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાઇમ યુએવી પ્રા. લિ.ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ હાલ વિવિધ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. હવે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેનો સર્જનાત્મક તથા સુરક્ષિત ઉપયોગ શક્ય બન્યો છે.