વડનગર ખાતે આગામી 19, નવેમ્બર અને 20, નવેમ્બરના રોજ તાનારીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. વડનગરની નાગર કન્યાઓ તાના-રીરીએ ભૈરવ, વસંત, દીપક અને મલ્હાર જેવા રાગોને આત્મસાત કર્યા હતા. સંગીતજ્ઞોની દુનિયામાં આજે પણ તેમનાં નામ આદરથી લેવામાં આવે છે. અકબરના દરબારના નવ રત્નોમાંના એક એવા સંગીત સમ્રાટ તાનસેને દીપક રાગ ગાયો હતો. જેનાથી તેના શરીરમાં દાહ પ્રગટયો હતો. જેથી તાના-રીરી બન્ને બહેનોએ મલ્હાર રાગ ગાઈ તાનશેનનો દાહ શાંત કર્યો હતો. આ બન્ને બહેનોની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. 19, નવેમ્બરના રોજ કુ.સૂર્યા ગાયત્રી, પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ, વિદ્વાનકુમારેશ રાજગોપાલન અને હાર્દિક દવે કલાકારો ઉપસ્થિત રહેશે. જયારે 20, નવેમ્બરના રોજ પંડિત જયતીર્થ મેવુન્ડી, પંડિત પૂર્વાયન ચેટર્જી અને વૃંદ અને ભૌમિક શાહની ટીમ ઉપસ્થિત રહી શ્રોતાઓને ડોલાવશે. તાના-રીરી મહોત્વસની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર ર્ડા.હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મહોત્સવની તૈયારી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે. વડનગર ખાતે વર્ષ-2003માં તાના-રીરી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. વડનગરમાં 550 વર્ષ પૂર્વે નાગરો દ્વારા શરૂ થયેલી સંગીતની પરંપરા આજે પણ જીવંત છે. સંગીતની આ પરંપરા અને વારસાને તાના-રીરી મહોત્સવથી વૈશ્વિક સ્તરે પ્રસિધ્ધિ મળી છે. વડનગરમાં આવી પહોંચેલા તાનસેનના શરીરના અગ્નિદાહને શર્મિષ્ઠા તળાવના કિનારે તાના અને રીરીએ મલ્હાર રાગગાઈ મેઘવૃષ્ટિ કરી અને તાનસેનના શરીરમાં શાતા બક્ષી હતી. આ ઘટનાની જાણ થતાં અકબરે બે સેનાપતિ વડનગર મોકલ્યા અને તાના-રીરીને દિલ્હી લઈ જવા દબાણ કર્યું હતું. પરંતુ, તેમના દબાણને તાબે થયા વિના બન્ને બહેનોએ અગ્નિ સ્નાન કરી લીધું હતું. આ બન્ને બહેનોની યાદમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના આંગણે તાના-રીરી મહોત્સવ શરૂ કરાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો