મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજીથી સૌરાષ્ટ્રના વીરપુરના સુપ્રસિધ્ધ જલારામ મંદિર સુધીની પદયાત્રા સંઘનું રવિવારે ભાદરવા સુદ એકમના પવિત્ર દિવસે ભક્તિભાવ અને ક્કજય જલિયાણના જયઘોષ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. છેલ્લા 45 વર્ષથી પરંપરાગત રીતે યોજાતી આ પદયાત્રામાં આ વર્ષે બહુચરાજી સહિત વિવિધ શહેરો અને ગામોમાંથી સર્વ સમાજના 55થી વધુ જલારામ ભક્તો જોડાયા છે.

સવારે બહુચરાજી ખાતે આવેલા જલિયાણધામ મંદિરેથી પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું. પ્રસ્થાન સમયે જલારામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ જલારામ બાપાના જયઘોષ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ પદયાત્રિકોએ બહુચર માતાજીના મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યાર પછી વીરપુર તરફ્ પ્રયાણ કર્યું હતું. આ પદયાત્રામાં બહુચરાજી ઉપરાંત ડીસા, પાટણ, સીતાપુર, સુંશીયા, રાંદેર, અમદાવાદ, સુરત, ઉકરડી સહિતના વિવિધ સ્થળોના જલારામ ભક્તો જોડાયા છે. વર્ષોથી ચાલી આવતી આ પદયાત્રા ધાર્મિક આસ્થા સાથે ભાઈચારા અને સર્વ સમાજની એકતાનું પણ પ્રતીક બની છે. પદયાત્રા સંઘનું છેલ્લા 45 વર્ષથી સફ્ળ સંચાલન બહુચરાજીના જલારામ ભક્ત નરેશભાઈ જયંતલાલ ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે. નરેશભાઈ ઠક્કરની આ 34મી પદયાત્રા છે. વર્ષોથી જલારામ ભક્તોને સાથે લઈને તેઓ આ ધાર્મિક પદયાત્રાની પરંપરા જાળવી રહ્યા છે.

પદયાત્રા દરમિયાન ભક્તો દ્વારા જલારામ બાપાના નામસ્મરણ અને ભજન-કીર્તન સાથે વીરપુર તરફ્ પ્રયાણ કરવામાં આવશે. યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ધાર્મિક ઉત્સાહ સાથે સેવાનો ભાવ પણ જોવા મળી રહ્યો છે. પદયાત્રા સંઘ તા. 5 ઓક્ટોબર, સોમવારે સવારે વીરપુર પહોંચશે. વીરપુર ખાતે જલારામ બાપાના પવિત્ર ધામે દર્શન અને પૂજન કર્યા બાદ ભક્તો દ્વારા પદયાત્રાની પૂર્ણતા કરવામાં આવશે અને ત્યારબાદ સંઘ પરત ફરશે.વર્ષોથી ચાલી આવતી આ પદયાત્રા દરમિયાન જલારામ ભક્તો વચ્ચે પરસ્પર સ્નેહ, ભક્તિ અને એકતાનો માહોલ સર્જાય છે. આ વર્ષે પણ 55થી વધુ ભક્તો આ ધાર્મિક યાત્રામાં જોડાતા બહુચરાજી પંથકમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો