મહેસાણા મામલતદાર કચેરી ખાતે બુધવારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહેસાણા તાલુકા ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો દ્વારા રજૂ કરાયેલા કુલ 15 પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં 3 પ્રશ્નો ઓનલાઈન અને 12 પ્રશ્નો ઓફ્લાઈન રજૂ થયા હતા. કલેક્ટર ર્ડા.હર્ષિત ગોસાઈની ઉપસ્થિતિમાં તમામ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અરજીઓના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, ચેરિટી કમિશનરના પ્રતિનિધિ એચ.પી. લીમ્બાચિયા, આઈએલઆર પ્રશાંત પટેલ, દેલોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હેતલબેન યોગી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા સ્વાગતમાં ધોળાસણ ગામની ગ્રામ પંચાયતની સરકારી મિલકત તથા ગૌચરની જમીન પર થયેલા કથિત ગેરકાયદે દબાણો દૂર કરવા અને દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે દેલોલી ગ્રામ પંચાયત ખાતે તલાટી અને વીસી નિયમિત હાજર ન રહેતા નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લક્ષ્મીપુરા ઉપલવા ગામના અરજદાર દ્વારા બાયપાસ રોડનું વળતર મેળવવા અંગે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અંતર્ગત વિવિધ ગામોના લાભાર્થીઓના પ્રશ્નો પણ રજૂ થયા હતા. મેવડ, પુનાસણ, વડોસણ, દેલા અને બામોસણા સહિતનાં ગામોના ગંગા સ્વરૂપા સહાયના પ્રશ્નો તથા કડવાસણ, જગુદણ, આખજ, મોટીદાઉ અને ખેરવા ગામના વૃદ્ધો અને દિવ્યાંગોની સહાય સંબંધિત અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર ર્ડા.હર્ષિત ગોસાઈએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો