ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા તાજેતરમાં સુરત ખાતે રાજ્યકક્ષાની અંડર-17 અને અંડર-19 ભાઈઓ અને બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહેસાણાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 8 મેડલ પોતાના નામે કર્યા છે અને સમગ્ર મહેસાણા જિલ્લાનું નામ રોશન કર્યું છે. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ કબ્જે કર્યા હતા. અંડર-19 ભાઈઓની સિંગલ્સ સ્પર્ધામાં રોહન સોલંકીએ બ્રોન્ઝ મેડલ તેમજ મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અંડર-17 બહેનોની સિંગલ્સમાં દિયા 5નીકરે બ્રોન્ઝ મેડલ, ગર્લ્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ અને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ત્રિપલ સિધ્ધિ મેળવી હતી. તેમજ અંડર-19 બહેનોની સિંગલ્સમાં નિત્યા કોટાઈએ બ્રોન્ઝ મેડલ તેમજ મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ તમામ વિજેતા ખેલાડીઓ મહેસાણા પોલીસ બેડમિન્ટન એકેડેમી ખાતે કોચ આશિષભાઈના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ મેળવી રહ્યા છે. ખેલાડીઓની આ શાનદાર સિધ્ધિ બદલ રમતપ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા તમામ ખેલાડીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા.
