યાત્રાધામ બહુચરાજીમાં દેવદિવાળીના પવિત્ર પર્વે શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કારતક પૂર્ણિમાના દિવસે મા બહુચરના દર્શનાર્થે વહેલી સવારથી જ હજારો માઈભક્તો ઉમટી પડતાં મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. યાત્રાધામ બહુચરાજી અને પૂનમ જાણે એકબીજાના અભિન્ન અંગ હોય તેમ દર પૂર્ણિમાએ મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચે છે. દેવદિવાળીના પવિત્ર દિવસે પણ વિવિધ વિસ્તારોમાંથી સંઘ સાથે આવેલા ભક્તો હાથમાં ધજા અને મુખમાં માતાજીનું નામ લઈને ધામમાં પહોંચ્યા હતા. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વહેલી સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ત્યારબાદ માતાજીની સવારીમાં પણ હજારો શ્રદ્ધાળુઓ જોડાતાં જયઘોષ, ઢોલ-નગારાં અને ભક્તોના નૃત્યથી ચાચરચોકમાં અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. ભક્તોના ચહેરા પર ઉમંગ, ઉત્સાહ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છલકાતી જોવા મળી હતી. દેવદિવાળીના પર્વને લઈને બહુચરાજી મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. ખાસ કરીને ચાચરચોકમાં પ્રગટાવાયેલા 5,100 દીવડાની દીપજ્યોતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દીવડાઓની ઝળહળાટથી ચાચરચોક પ્રકાશમય બન્યો હતો. આ ઉપરાંત 100 ફૂટ પહોળી અને 60 ફૂટ લાંબી તૈયાર કરાયેલી મા બહુચરની સપ્તરંગી પ્રતિમા પણ માઈભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવ્ય નજારો નિહાળવા શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો