ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક અભૂતપૂર્વ રાજકીય સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના સંયુક્ત કાર્યકાળમાં 8931 દિવસ પૂર્ણ કરીને તેમણે દેશમાં સૌથી લાંબો સમય 'હેડ ઓફ ગવર્મેન્ટ' રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અવસરે મહેસાણા ખાતેથી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નેતૃત્વના ભારોભાર વખાણ કર્યા હતા.

સતત 7 વખત અપરાજીત રહેવાનો રેકોર્ડ

મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં સતત ચાર વખત મુખ્યમંત્રી રહ્યા અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત જવાબદારી સંભાળી રહ્યા છે. લોકશાહીમાં સતત 7 વખત અપરાજિત રહીને સરકારના વડા તરીકે આટલો લાંબો સમય સેવા આપવી એ એક વિશ્વવિક્રમ છે. તેમના મજબૂત નેતૃત્વમાં પ્રજાએ તેમને ક્યારેય જાકારો નથી આપ્યો, જે તેમની લોકપ્રિયતાની પ્રતીતિ કરાવે છે."

દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનએ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. આજે ભારત જે રીતે વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે તેની પાછળ નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને અથાણ મહેનત રહેલી છે. દેશ અને દુનિયામાં આજે ભારતનું નામ ખૂબ મોટું થયું છે, જેનો શ્રેય વડાપ્રધાનના મજબૂત વ્યક્તિત્વને ફાળે જાય છે. મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી રહ્યા છે અને વડાપ્રધાનના દીર્ઘાયુની કામના કરી રહ્યા છે.


આ પણ વાંચો - Mahesana News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસનગરથી રૂ. 938 કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી