ભારતીયના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના સન્માનમાં તેમજ નાગરિકોમાં બંધારણીય મૂલ્યો પ્રત્યે લોકજાગૃતિ કેળવવાના ઉમદા હેતુથી દર વર્ષે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા લુણાવાડા સ્થિત આદર્શ સાયન્સ વિદ્યાલય ખાતે વિશેષ પરિસંવાદ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો, વકીલો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય બંધારણના આમુખનું સામૂહિક વાંચન કરાયું હતું, બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત હકો તથા ફરજો પ્રત્યે સજાગ રહી તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી. મદદનીશ સરકારી વકીલ યોગેશ ગોસાઈ તથા નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરીએ વિદ્યાર્થીઓ અને નાગરિકોને બંધારણની જોગવાઈઓ, કાયદાકીય સમજ તેમજ નાગરિકોના અધિકારો અને ફરજો અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. જિલ્લાના મુખ્ય સરકારી વકીલ સરજન ડામોરે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ બાર એસોસિએશન, પોલીસ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાના સહયોગથી બંધારણ દિવસની ગરિમામય ઉજવણી કરાઈ છે, જેના થકી યુવા પેઢીમાં બંધારણીય જાગૃતિનો સંચાર થશે.
