મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સમગ્ર મહીસાગર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા મથક લુણાવાડા ખાતે એક વિશાળ સંસ્કૃત સપ્તાહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઐતિહાસિક અને પ્રાચીન લુણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ રેલીનો શુભારંભ કરાવાયો હતો, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સંતરામપુર રોડ સ્થિત પી.ડી. પંડયા કોલેજ ખાતે સંપન્ન થઈ હતી. મુખ્ય અગ્રણીઓ અને વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ આ ઉજવણીમાં કલેક્ટર, લુણાવાડા નગરપાલિકા ના પ્રમુખ ડો.કીર્તિ પટેલ મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશકુમાર મુનિયા તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શહેર અને આસપાસના વિસ્તારના 1000 થી વધુ શાળાના બાળકો આ રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પ્રાચીન ઋષિ-મુનિઓ અને સંસ્કૃત સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ વેશભૂષા ધારણ કરી સૌ નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રી એસ. કે. હાઈસ્કૂલ, પંચશીલ હાઈસ્કૂલ, કિસાન માધ્યમિક વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ શાળા સહિત જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ આ આયોજનને સફ્ળ બનાવ્યું હતું.
