ચોમાસાની શરૂઆત થતાં જ વીજ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાંથી તંત્રની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. બાકોર સબ સ્ટેશન હેઠળ આવતા વાંકા ગામમાં વિજ કંપનીની ઘોર બેદરકારીના કારણે વીજ લાઈનો અને થાંભલાઓ પર વેલાઓ અને ઝાડી-ઝાંખરાની વણઝાર જોવા મળી રહી છે.

ખાનપુર તાલુકામાં હજુ તો ચોમાસાની માંડ શરૂઆત થઈ છે ત્યાં જ સામાન્ય વરસાદ કે પવન ફૂંકાતાની સાથે જ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. કલાકો સુધી અંધારપટ છવાઈ જવાની રોજની સમસ્યા છે. વાંકા ગામની મુખ્ય વીજ ડીપી અને આસપાસના વીજ થાંભલાઓ અત્યારે લીલાછમ વેલાઓથી ઢંકાઈ ગયા છે. ચોમાસા દરમિયાન આ વેલાઓ ભીના થવાના કારણે ગમે ત્યારે વાયરમાંથી થાંભલામાં કરંટ ઉતરી શકે છે. આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ, પશુઓ કે સ્થાનિક બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી અને જાનલેવા સાબિત થઈ શકે તેમ છે. બાકોર MGVCL કચેરીના અધિકારીઓ દ્વારા ચોમાસા પહેલાં જે લાઈન ક્લિયરન્સ ઝાડની ડાળીઓ અને વેલા કાપવાની કામગીરી સદંતર નિષ્ફ્ળ રહી છે. જેથી ગ્રામજનો દ્વારા તાકીદે આ થાંભલાઓ પરથી ઝાડી-ઝાંખરા અને વેલાઓ હટાવવા માગ કરાઈ છે.