મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગની અગાઉની આગાહીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા. જિલ્લાને ગ્રીન ઝોનમાં મૂકી, વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ શાળા-કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી હતી.

દિવસ દરમિયાન હવામાનમાં અણધાર્યો પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજાએ આખો દિવસ સંતાકૂકડી રમવાનું ચાલુ રાખતા દિવસ દરમિયાન વરસાદનું એક ટીપું પણ વરસ્યું નહોતું. તેના બદલે આખો દિવસ આકરો તાપ અને અસહ્ય બફારાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેનાથી નાગરિકો ભારે ઉકળાટથી ત્રસ્ત થઈ ગયા હતા. જોકે, સાંજના સમયે 6 થી 8 વાગ્યાના ટૂંકા સમયગાળામાં મેઘરાજાએ મન મૂકીને અતિથિપંચ બજાવ્યું હતું. સાંજના સુમારે થયેલા વિરામ વગરના વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાંજના સમયે મેઘરાજાનીમહેર થતાં જ સૂકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. આ ઉપરાંત, પંથકના તળાવોમાં નવા નીરની આવક થઈ છે. લુણાવાડા શહેરની વિવિધ સોસાયટીઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ પણ સાંપડયા છે. આખો દિવસ ઉકળાટ સહન કર્યા બાદ સાંજે પડેલા વરસાદથી પ્રજાજનોને ભારે રાહત મળી છે અને ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.