સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના સૂત્રને સાર્થક કરતા ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ કેન્દ્ર પાલડી અને ગોધરા શાખા તેમજ લુણાવાડાના કાર્યકર્તાઓના સંયુક્ત ઉપક્રમે અને અરવિંદભાઈ સંત(USA)ના આર્થિક સહયોગથી આજે લુણાવાડા પંચશીલ હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય માપ કેમ્પ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ લાભાર્થીઓના કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, કેલીપર્સ, વ્હીલચેર, ટ્રાયસીકલ, સર્જિકલ બૂટ અને ઘોડી માટે જરૂરી માપ લેવાયા હતા. આ ઉપરાંત, જરૂરિયાતમંદ લાભાર્થીઓને સ્થળ પર જ વોકિંગ સ્ટીકનું તાત્કાલિક વિતરણ કરાયું હતું. કેમ્પને સફ્ળ બનાવવા માટે લુણાવાડાના ડૉ. વસંતભાઈ જોષી તથા અન્ય સ્થાનિક કાર્યકર્તાઓ, વિભાગ મંત્રી અરવિંદસિંહ સિસોદીયા સહિત ગોધરા તેમજ પાલડી શાખાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, પંચશીલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા સંચાલક અને લુણાવાડાના નગરજનોનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. કેમ્પમાં જે દિવ્યાંગ લાભાર્થીઓના માપ લેવાયા છે, તેઓને કૃત્રિમ સાધનોનું નિઃશુલ્ક વિતરણ આગામી તા.06 ડિસેમ્બરે પંચશીલ હાઈસ્કૂલ, લુણાવાડા ખાતે કરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો