ગુજરાત રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026-27માં લુણાવાડાની ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ લેખક અને દિગ્દર્શક ચિંતન પંચાલ દ્વારા લિખિત અને દિગ્દર્શિત નાટક આધુનિક યુગની અંધશ્રદ્ધા રજૂ કરીને પ્રથમ વિજેતા બન્યા હતાં. આ નાટકને બેસ્ટ પ્લે, નાટકના દિગ્દર્શક ચિંતન પંચાલને બેસ્ટ ડિરેક્ટર અને આરવનું પાત્ર ભજવનાર ઝીલ જોશીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આમ, નાટકની ટીમે ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય,GUJCOSTતથા સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં નાટક દ્વારા આધુનિક યુગમાં અંધશ્રદ્ધા સામે વૈજ્ઞાનિક અભિગમ અને તર્કશક્તિનો સંદેશ આપ્યો હતો. નાટકમાં ઝીલ જોશીએ આરવ નામનાછોકરાનું પાત્ર ભજવી બેસ્ટ એક્ટર એવોર્ડ મેળવ્યો છે, જ્યારે હેત્વી પ્રજાપતિએ વકીલ અને નાની બહેનનો રોલ, પિહુ ગોસાઈએ માતાનું, દિવ્ય પટેલે અદાલતના પહેરેદાર, શ્લોક બારોટે નાના પુત્ર, દીપ પટેલે એ.આઈ(AI), તીર્થ રાવલે કાકા અને ઉર્વી પટેલે જજની ભુમિકા ભજવી હતી. રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે આ વિદ્યાર્થીઓ ઝોન કક્ષાના તબક્કામાં મુંબઈખાતે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો