કારતક સુદ પૂનમ દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે છોટે કાશી ગણાતા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ભક્તિ અને આસ્થાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. નગરદેવ લૂણેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવ દિવાળીની રાત્રે ઐતિહાસિક દીપસ્તંભ પર પ્રગટાવવામાં આવેલી દીપમાલિકાએ સમગ્ર પરિસરમાં દિવ્ય આભા પ્રગટાવી સુપ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતે તિરુપતિ બાલાજીના અભ્દુત અને રાજસી સ્વરૂપમાં સજાવાયા હતા. આ વિશેષ શણગારમાં તિરુપતિ બાલાજીની મુખ્ય ઓળખ સમાન કપાળ પર સફેદ ઊર્ધ્વપુંડ્ર અને વચ્ચે લાલ-કેસરી રેખાવાળું વિશિષ્ટ તિરુનામમ તિલક કરાયું હતું. ભગવાનના મસ્તક પર દક્ષિણ ભારતીય શૈલીનો ઊંચો કિરીટ મુગટ તેમજ નીચેના બે હાથોમાં વરદ અને કટિહસ્ત મુદ્રા દર્શાવતા વિશેષ હસ્તકમળ ધારણ કરાવાયા હતા. ઉપરાંત, મંદિરના પટાંગણમાં કલાત્મક રીતે રંગ વિઠ્ઠલ અનેરખુમાઈના સ્વરૂપમાં સુંદર રંગોળી તૈયાર કરાઈ હતી, નગરજનોએ ભગવાનના મેરાઈયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. લુણાવાડા નગરના અન્ય વિવિધ મંદિરોમાં પણ દેવ દિવાળી પર્વની અત્યંત આસ્થાપૂર્વક ઉજવણી કરાઈ હતી. મંદિરોની બહાર પારંપરિક દીપમાલા, આકર્ષક રોશનીના ઝગમગાટ અને આતશબાજી સાથે સમગ્ર નગર ભક્તિમય બન્યું હતું.
