મહીસાગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં થયેલા સાર્વત્રિક અને ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદી પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ વચ્ચે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકે મેદાનમાં ઉતરીને મોરચો સંભાળ્યો છે.

જિલ્લા પોલીસ વડા સફીન હસને કોઠંબા વિસ્તારના પાણી ભરાયેલા અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ મુશ્કેલ સમયમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તમામ જરૂરી તકેદારીના પગલાં ભરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. વરસાદી પાણીમાં લોકોના વાહનો બંધ પડી જવા કે ફ્સાઈ જવાની ઘટનાઓ સમયે પોલીસના અધિકારીઓ અને જવાનો પોતે સ્થળ પર હાજર રહીને નાગરિકોને મદદરૂપ બન્યા હતા. મુશ્કેલીમાં મુકાયેલા વાહનચાલકો અને સ્થાનિકોને સુરક્ષિત બહાર કાઢવા કામગીરી કરી હતી.