વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વભરમાં સ્વીકૃત બનેલા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મહીસાગર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યસભા સાંસદ ડો. જસવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ અવસરે જિલ્લાના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ એકસાથે યોગાભ્યાસ કરી સ્વસ્થ ભારતનો સંદેશ ગુંજતો કર્યો હતો.


કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા સાંસદ ડો. જસવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની અતિ પ્રાચીન સંસ્કૃતિ અને વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. યોગનો વાસ્તવિક હેતુ માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આત્માને પરમાત્મા સાથે જોડવાનું પરમ માધ્યમ છે.

યોગ ફોર હેલ્થી એજિંગ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. લુણાવાડા ખાતેના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેકટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ, નિવાસી અધિક કલેકટર સી. વી. લટા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: