રજવાડાના સમયમાં સ્ત્રી કેળવણી અને સામાજિક સુધારણા ક્ષેત્રે લુણાવાડા સ્ટેટનું યોગદાન વિશેષ નોંધપાત્ર રહ્યું છે. લુણાવાડાની ઐતિહાસિક કન્યાશાળા લેડી-રે-ગર્લ્સ સ્કૂલ તેનો જીવંત પુરાવો છે. આ શાળાની શરૂઆત ઇ.સ. 1867માં થઈ હતી. સન 1889માં રેવાકાંઠા એજન્સીના પોલિટિકલ એજન્ટ કેમ્પબેલ અને લુણાવાડાના મહારાજ વખતસિંહજી તથા મહારાજકુમાર રણજિતસિંહજીના હસ્તે શાળાના મકાનનું ઉદઘાટન કરાયું હતું.
મહારાણા વીરભદ્રસિંહજીના સમયમાં ઉપલા માળનું બાંધકામ પૂર્ણ થતાં તા.14 ફેબ્રુઆરી 1934ના રોજ મિસીસ વેરના હસ્તે તેનું પુનઃ લોકાર્પણ થયું હતું. સન 1889ના ઉદઘાટન પ્રસંગે જ મહારાજા વખતસિંહજી અને કેમ્પબેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી, અમદાવાદ ઉચ્ચ શિક્ષણ માટે જતી છોકરી માટે રૂ.10ની કેમ્પબેલ સ્કોલરશિપ આપવાનું ઠરાવાયું હતું. જે આ તાલીમ પૂર્ણ કરે તેને લુણાવાડા કન્યાશાળાના પ્રથમ હેડમિસ્ટ્રેસ બનાવવાની ઘોષણા કરાઈ હતી. 1889માં સંતરામપુરની વિક્ટોરીયા જ્યુબિલી કન્યા શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી કૃષ્ણાગૌરી રાવળે વધુ અભ્યાસ માટે અમદાવાદની કેમ્પબેલ ફિમેલ ટ્રેનિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, તે જમાનામાં રૂઢિચુસ્ત સમાજના વિરોધ વચ્ચે હોસ્ટેલમાં રહીને ભણવું અત્યંત ક્રાંતિકારી નિર્ણય હતો. કૃષ્ણાગૌરીનું કુટુંબ પ્રાર્થના સમાજી વિચારો ધરાવતું હોવાથી તેમના પતિએ તેમને પૂર્ણ ટેકો આપ્યો. ખ્રિસ્તી વિદ્યાર્થિનીઓ સાથે હોસ્ટેલમાં રહેવું અને ભેગા રસોડે જમવું એ તે સમયે ઘણું સંઘર્ષમય હતું, છતાં તમામ પડકારો પાર પાડીને તેમણે 1892માં તાલીમ પૂર્ણ કરી. તાલીમ બાદ, શ્રીમતી કૃષ્ણાગૌરી રાવળ લેડી-રે-ગર્લ્સ સ્કૂલના પ્રથમ હેડમિસ્ટ્રેસ બન્યાં. સન 1899માં એમણે સદ્દગુણી હેમંતકુમારી નામના કાવ્યમય આર્ટિકલમાં પોતાના સંઘર્ષ અને અનુભવોનું વિસ્તારથી વર્ણન પણ કર્યું છે.
