મહીસાગર જિલ્લાના કીડીયા ખાતેના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં જિલ્લા કલેક્ટરે ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રમાંથી એક્સપાયરી ડેટવાળી દવાઓ અને ઈન્જેક્શનોનો વિપુલ જથ્થો મળી આવતાં જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી તુરત સ્થળ પર બોલાવાયું હતું. તેમજ તપાસના અંતે જિલ્લા આરોગ્ય અધિકારીએ આયુષ્યમાન આરોગ્ય મંદિરના CHOની સેવાઓને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે.


મહિસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે કીડીયા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે આરોગ્ય વિભાગની સેવાઓની સમીક્ષા કરી હતી. જે દરમિયાન આયુષ્યમાન આરોગ્ય સેન્ટરમાંથી એક્સપાયરી ડેટ વાળી દવાઓ, ઈન્જેક્શનોનો મોટો જથ્થો મળતાં કલેક્ટર પણ ચોંકી ઉઠયા હતાં. જે અંગે જિલ્લા કલેક્ટરે જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલીયાને જાણ કરતાં આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમા તપાસ કરતા દવાઓમાં કેટલીક દવાઓનો જથ્થો એક્સપાયરી ડેટવાળો હોવાનું જણાતા તે તમામ જથ્થો આરોગ્ય વિભાગે એકત્રિત કરી અને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોગ્ય સેન્ટરના CHO ધાત્રીબેન પટેલની સેવાઓ સમાપ્ત કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈ અન્ય સીએચઓ અને આરોગ્ય સેન્ટર ઉપર ફફડાટ ફેલાયો છે. જોકે તમામ આરોગ્ય સેન્ટરો ઉપર સમયસર અને નિયમ મુજબ દવાઓનું ચેકિંગ થવું જ જોઈએ, ત્યારે આ ગંભીર બેદરકારી બદલ જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ સમયાંતરે તમામ સેન્ટરો ઉપર તપાસ કરવા સૂચન પણ આપવામાં આવ્યું છે. આ બાબતે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવતા હાલ તો તમામ સેન્ટરો પણ એલર્ટ બન્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: