મલેકપુર : મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગામ ખાતે ધારાસભ્ય માનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર યોજાય્ઈ હતી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી, તેમને સ્થળ પર જ લાભો અને નોંધણીની સુવિધા પૂરી પાડવાનો રહ્યો હતો. વડદલા ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો પ્રત્યક્ષ લાભ મેળવ્યો હતો.
વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે આ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રુંખલાના ભાગરૂપે વડદલા ખાતે યોજાયેલી શિબિરમાં પીએમ સૂર્યઘર યોજના, આયુષ્માન ભારત, પીએમ સ્વનિધિ, અને લખપતિ દીદી જેવી મહત્વકાંક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણીની પ્રક્રિયા સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી હતી. શિબિર દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં ગ્રામજનોની વિવિધ યોજનાઓ અંતર્ગત નોંધણી કરાઈ હતી. ઉપરાંત, સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે જનજાગૃતિ માટે ખાસ પ્રયાસો કરાયા હતા.










