મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તૈયાર કરાયેલા ઘોઘાવાડા ગામના સીમડા કેનાલથી મરજીવા ફ્ળીયા થઈ ચણાસેરો પ્રાથમિક શાળા સુધીના આશરે 2000 મીટર લાંબા માર્ગ પર આવેલા કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે.

સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલા આ માર્ગના કલ્વર્ટની બંને બાજુએ માટી ધસી ગઈ હોવાનું તેમજ કાંકરીટના ભાગો તૂટી પડતાં તેની મજબૂતી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ વરસાદી મોસમ ચાલી રહી હોવાથી કલ્વર્ટને વધુ નુકસાન પહોંચવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો વાહનચાલકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થઈ શકે છે. માર્ગની બાજુનો ભાગ પણ નબળો બનતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.