મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીનું રમતગમત દરમિયાન અચાનક મોત થતાં અચાનક મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવા સાથે વાલીઓ અને શિક્ષકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની પ્રાથમિક વિગતો અનુસાર, બાલાસિનોર ખાતેની જવાહર નવોદય વિદ્યાલયમાં ગઈકાલે સાંજના સમયે વિદ્યાર્થીઓ ફૂટબોલ રમી રહ્યા હતા. જે બાદ ધોરણ-9માં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થી ઉત્સવ મહેરાની તબિયત અચાનક લથડી હતી. જે બાદ શાળાના શિક્ષકો વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. જે બાદ પોલીસને જાણ કરાતાં પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી હતો, તેણે કબડ્ડીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રમત રમી હતી અને આગામી સમયમાં નેશનલ કક્ષાની સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન વિદ્યાર્થીના અચાનક મોતથી પરિવારજનો અને શાળા પરિવાર પર આભ તૂટી પડયું છે. વિદ્યાર્થીના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ બાદ જ સ્પષ્ટ થશે તેમ જાણવા મળ્યું છે. આચાર્યના જણાવ્યાનુસાર, સાંજે રમત પ્રવૃત્તિ બાદ આ ઘટના બની હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો