કડાણા તાલુકાના દધાલીયા ગામે 20 વર્ષ બાદ પુનઃ એસ.ટી બસ સેવા શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. ગ્રામજનોએ બસની પૂજા કરી ખુશી વ્યક્ત કરી હતી.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દધાલીયા ગામ માટે આજે ઐતિહાસિક દિવસ હતો, છેલ્લા 20 વર્ષથી આ રૂટ પર એસ.ટી બસ સેવા બંધ હોવાથી દધાલીયા સહિત આસપાસના ગામોના લોકોને શિક્ષણ, રોજગાર, સારવાર તેમજ દૈનિક અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આજે લુણાવાડા એસટી ડેપો દ્વારા લુણાવાડાથી માનગઢ વચ્ચેની એસટી બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. બસ દધાલીયા ગામમાં પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. બસના આગમન પ્રસંગે રાજપૂત સમાજના વડીલો તેમજ ગામના આગેવાનોએ બસની વિધિવત પૂજા-અર્ચના કરી, ફુલહાર અર્પણ કર્યા અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. બે દાયકા બાદ ફ્રી શરૂ થયેલી બસ સેવાને ગ્રામજનોએ વિકાસ તરફ્નું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષથી બસ સેવા બંધ હોવાથી ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડતું હતું, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થતો હતો. હવે બસ સેવા ફ્રી શરૂ થતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, દર્દીઓ તેમજ અન્ય મુસાફ્રોને સરળ, સુરક્ષિત અને સસ્તી મુસાફ્રીની સુવિધા ઉપલબ્ધ બનશે.
