મહીસાગર જિલ્લાના લુણાવાડાથી માંડ 4 કિ.મી.ના અંતરે આવેલા લિમ્બોદ્રા નજીકના દેગમડા તીર્થધામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા પડેલા બે યુવકો ગઈકાલે નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં, જે પૈકી એક યુવકનો ગઈકાલે રાત્રે જ મૃતદેહ મળ્યો હતો. જ્યારે બીજા લાપતા યુવકની આજે લાશ મળી હતી.
મહીસાગર જિલ્લા કલેક્ટરનું જાહેરનામુ છતાં નદીમાં નાહવાની બેદરકારીને કારણે ફરી એકવાર દુર્ઘટના સામે આવી છે. જે ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને કાગળ પર ચાલતા જાહેરનામા સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે ગંભીર સવાલો ઊભા થયા છે. અમદાવાદ ખાતે રહેતાં આશિફ્ યુસુફ્ (ઉં.વ.40) ગઈકાલે સોમવારે લુણાવાડા ખાતે તેમના સંબંધીના ત્યાં મરણ પ્રસંગમાં આવ્યા હતાં. જે બાદ બપોરે કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે બપોરે લુણાવાડા ખાતે રહેતાં સંબંધી આઝમખાન ઈમ્તિયાઝખાન પઠાણ (ઉં.વ.20) સાથે લુણાવાડાથી 4 કિ.મી. દૂર આવેલા લિમ્બોદ્રા પાસેની મહીસાગર નદીમાં નાહવા ગયા હતાં. જ્યાં નદીના તેજ પ્રવાહમાં નાહવા ઉતરતાં બંને યુવકો જોતજોતામાં જ ઊંડા પાણીમાં તણાઈને લાપતા થઈ ગયા હતા. જે ઘટનાની જાણ થતાં લુણાવાડા નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ, સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને ગુમ થયેલા યુવકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ગઈકાલે મોડી સાંજે બનાવ સ્થળથી દોઢ કિ.મી. દૂર ભમરા પાસેથી એક યુવક આશિફ યુસુફનો મૃતદેહ મળી આવ્યો હતો.










