મહિસાગર જિલ્લાના તાલુકા મથક કોઠંબાના ગાયત્રી મંદિર રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલી ગટર લાઇન અત્યંત તકલાદી સાબિત થઈ છે. ગટરના ઢાંકણા સ્થાને સ્થાને તૂટી ગયા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી પણ પોલીસ સ્ટેશન સામે ચોકડી પર અધૂરી મૂકવામાં આવી છે.
હાલમા વરસાદી પાણી ભરાઇ રહે છે. ગાયત્રી મંદિર રોડ એ કોઠંબાનો પ્રવેશદ્વાર છે, જે વ્યસ્ત માર્ગ છે. શાળાના બાળકો, વૃદ્ધો અને વાહનચાલકોની અવરજવર દિવસભર સતત ચાલુ રહે છે. તૂટેલા ઢાંકણા અને આજુબાજુના સ્થાનિકોને નડતરરૂપ આ ગટર કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ લોકોમાં છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે, કામગીરી દરમિયાન ગુણવત્તા જળવાઈ ન હતી. નબળા મટીરીયલના ઉપયોગના કારણે થોડા જ સમયમાં ઢાંકણા તૂટી ગયા છે, તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ અને ગટરની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે. પ્લાનિંગ વગરની બનાવેલ ગટર જોખમી બની ગઇ છે. રોડ ઉપર ત્રણ ફૂટનું પૂરાણ કર્યા બાદ ગટરનું લેવલ જળવાય છે, જેના કારણે રોડ સાંકડો બની ગયો છે. વરસાદના પાણીના નિકાલ માટે બનાવેલી ગટર જ હવે લોકો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. જેથી તૂટેલા ગટરના ઢાંકણા તાત્કાલિક બદલી નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
