મહીસાગર જિલ્લાના કોઠંબાને નવીન તાલુકા તરીકે જાહેર થયા બાદ નગરમાં વાહનો અને ઓફિસના કામકાજ તેમજ ધંધાર્થે લોકોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે કોઠંબા પોલીસ સ્ટેશન ચોકડીથી અજયમાતાના મંદિર સુધી ટ્રાફ્કિની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
આસપાસના ગામોમાંથી કામકાજ માટે લોકોનો ધસારો વધ્યો છે. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન ચોકડીથી તળાવની પાળ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે છે. બે વાહનો ભાગ્યે જ સામસામે નીકળી શકે તેવી સાંકડી જગ્યા અને રોડની બંને બાજુ થતું ગેરકાયદેસર પાર્કિંગ આ સમસ્યાને વધુ વકરાવી રહ્યું છે. ખાસ કરીને શાળા, કોલેજ ચાલુ અને છૂટવાના સમયે તથા બજારના સમયે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓને રોડ ક્રોસ કરવામાં ભારે હાલાકી પડે છે. કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
