મલેકપુર : મહીસાગર જિલ્લાના સંતરામપુર સ્થિત આઝાદ મેદાન ખાતે ભારતની આઝાદીના મહાનાયક ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રમણભાઈ સોલંકી મુખ્ય અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય તેમજ ભગવાન બિરસા મુંડાજી અને આદિવાસી દેવી-દેવતાઓનું પૂજન-અર્ચન કરીને કરવામાં આવી હતી.મંત્રીએ સંતરામપુર ડેપો ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય તથા લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે જ યોજનાકીય જાણકારીલક્ષી સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ અવસરે વડાપ્રધાનનું પ્રેરક ઉદ્દબોધન જીવંત પ્રસારણના માધ્યમથી સાંભળ્યું હતું. કાર્યક્રમના સમાપન પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રેમના સંદેશ સાથે મંત્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, પોલીસ અધિક્ષક સફીન હસન, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ રજનીતાબેનતાવિયાડ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ જયંતીભાઈ ડામોર, નગરપાલિકા પ્રમુખ નિશાબેન સહિત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો