રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર કરવાના અભિયાનના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાવડીબાઈના મુવાડા ગામની મહિલાઓએ વિકાસની નવી ક્ષિતિજો સર કરી છે. એક સમયે આર્થિક રીતે પછાત ગણાતી આ બહેનોએ ચાવડીબાઈના મુવાડા પ્રોડયુસર ગ્રુપ ની રચના કરી આજે મહિસાર હળદર પ્રોસેસિંગ દ્વારા સફ્ળ ગૃહ ઉદ્યોગ સ્થાપિત કર્યો છે. મિશન મંગલમ યોજના અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ થયેલી આ સફ્રે ગ્રામીણ વિસ્તારની મહિલાઓને માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ સશક્ત બનાવીને સમગ્ર જિલ્લા માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું છે.
ચાવડીબાઈના મુવાડા પ્રોડયુસર ગ્રુપના સભ્યો ભાવનાબેન પટેલ અને પ્રિયંકાબેન પટેલે તેમની સંઘર્ષ ગાથા વિશે જણાવતા કહ્યું હતું કે, અગાઉ તેઓ ખેતરમાંથી પ્રાપ્ત થતી કાચી હળદર સીધી જ બજારમાં વેચી દેતા હતા, જેમાં વળતર ખૂબ જ ઓછું મળતું હતું. મિશન મંગલમ યોજના હેઠળ માર્ગદર્શન મળ્યા બાદ આ બહેનોએ 10 સભ્યોના જૂથ સાથે હળદરનું મૂલ્યવર્ધન કરવાનું શરૂ કર્યું. હવે તેઓ કાચી હળદરને ધોઈ, બાફી, સૂકવી અને તેને દળ્યા બાદ શુદ્ધ પાવડર બનાવી આકર્ષક પેકિંગમાં તેનું વેચાણ કરી રહ્યા છે. પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી આ હળદરની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે તેમની આવકમાં પૂર્વે કરતા વધારો નોંધાયો છે.










