મહીસાગર જિલ્લામાં નાગરિકોને સ્ટેમ્પ સરળતાથી ઉપલબ્ધ થાય તેમજ સ્ટેમ્પની ખરીદી વખતે કોઈપણ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રના સંચાલકો દ્વારા નિયત કિંમત કરતાં એક પણ રૂપિયો વધારાનો વસૂલવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા વિશેષ સ્ટિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સ્ટેમ્પના નિયત ભાવ કરતાં વધુ નાણાં વસૂલતા બે ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રોના સંચાલકો રંગેહાથ ઝડપાયા હતાં. મહીસાગર જિલ્લામાં કુલ 59 ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો કાર્યરત છે, જ્યાં સ્ટેમ્પનું વેચાણ નિયત કિંમત મુજબ થાય, સ્ટેમ્પના જથ્થા અને વેચાણનો હિસાબ જળવાય, તે સુનિશ્ચિત કરવાના હેતુથી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા સ્ટિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં એક નાયબ મામલતદાર તથા બે કર્મચારીઓને રૂા.100 ના ઈ-સ્ટેમ્પ ખરીદવા માટે સંતરામપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસોથી મોકલાયા હતા. આ દરમિયાન બાલાસિનોર ખાતેના ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રના સંચાલક મહંમદ રઝીમ અબ્દુલ રશીદ શેખ તથા ખાનપુર તાલુકાના વડગામ ગામના કેન્દ્રના સંચાલક અલ્પેશ મુળજીભાઈ પટેલ રૂા.100 ની કિંમતના સ્ટેમ્પના રૂા.110 વસૂલતા હોવાનું જણાતાં બંને સંચાલકોને રંગેહાથ ઝડપી પાડી, બંને ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રોના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો