ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા જન જાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત બુધવારે સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા પૂર્વ સાંસદ રમિલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ માતૃશક્તિને સંબોધતા બાળ સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંર્ત્ય સંગ્રામમાં આદિવાસી સમાજનું યોગદાન અત્યંત ગૌરવપૂર્ણ રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની વયે રાષ્ટ્ર અને સમાજના સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, જેમાંથી આજની યુવા પેઢી અને માતૃશક્તિએ પ્રેરણા લેવી જોઈએ.
પૂર્વ સાંસદ રમીલાબેન બારાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોરે ઉપસ્થિત માતાઓ અને બહેનોને સંબોધતા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણની કામગીરીની માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓને વિવિધ યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મહિલા સંમેલનમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, તાલુકા પંચાયત પ્રમુખઓ , પ્રાંત અધિકારી, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો