મહુધા તાલુકાના હેરંજ ગામે 10 વર્ષીય બાળકી રતનબેનના સારવાર દરમિયાન નિધન બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે. રાજ્ય અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ગામની મુલાકાત લઈ મૃતક બાળકીના પરિવારજનો પાસેથી વિગતો મેળવી હતી. સાથે જ હેરંજ સબ સેન્ટર અને મમતા દિવસની કામગીરીનું નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બાળકીના મોત બાદ આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ તપાસમાં આરોગ્ય કર્મચારીઓ પાસેથી પણ જરૂરી વિગતો મેળવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હેરંજ ગામના પૂનમભાઈ ભરવાડની 10 વર્ષીય પુત્રી રતનબેનને તાવ આવ્યા બાદ બીજા દિવસે ગળું સુકાવાની તકલીફ્ થતાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં એક દિવસ સારવાર ચાલી હતી અને ત્યારબાદ ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન બાળકીનું નિધન થયું હતું. ઘટનાને પગલે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ, જિલ્લા કક્ષાના EMOઅધિકારી અને તાલુકા હેલ્થ ઓફ્સિર સહિતના અધિકારીઓ ગામે પહોંચ્યા હતા. ટીમે સૌપ્રથમ હેરંજ સબ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બાદ મમતા દિવસની કામગીરીના સ્થળે જઈ કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી હતી. બાળકીના પિતા પૂનમભાઈએ જણાવ્યું હતું કે, પુત્રીને તમામ જરૂરી રસી આપવામાં આવી હતી અને આરોગ્ય કર્મચારીઓ પણ વિસ્તારમાં નિયમિત મુલાકાત લેતા હતા. આરોગ્ય કાર્યકર આશાબહેન અને મનીષાબેન મકવાણાએ પણ પોતાના વિસ્તારની મુલાકાતો, રસીકરણ અને આરોગ્ય સેવાઓ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જોકે, બાળકીના નિધનનું ચોક્કસ કારણ અને આરોગ્ય સેવાઓમાં કોઈ ખામી હતી કે નહીં તે અંગે સત્તાવાર તારણ સામે આવ્યું નથી. આથી તપાસમાં હકીકતો સ્પષ્ટ થાય અને બાળકીના નિધન પાછળનું કારણ જાણી શકાય તે મહત્વનું બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો