મહુધા તાલુકાના ધંધોડી ગામે આવેલા પૈપરીયા ગૌચરમાં પડી ગયેલા લીલા બાવળના ઝાડનું પંચાયત દ્વારા નિયમો વિના વેચાણ કરાયાનો આક્ષેપ ઉઠયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે 300 મણ જેટલું લાકડું હોવાનું છતાં માત્ર રૂ.8 હજારના ભાવે વેચી દેવાયું હોવાના આક્ષેપથી પંચાયતની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મહુધા તાલુકાન ધંધોડી ગામના પૈપરીયા ગૌચર વિસ્તારમાં લીલું બાવળનું મોટું ઝાડ પડી ગયા બાદ ગ્રામ પંચાયત દ્વારા તેની હરાજી કર્યા વિના સીધું જ રૂ.8 હજારના ભાવે વેચાણ કરી દેવાયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝાડમાંથી આશરે 300 મણ જેટલું લાકડું નીકળતું હોવાનું કહેવાય છે, ત્યારે આટલી મોટી માત્રામાં લાકડું માત્ર રૂ.8 હજારમાં વેચી દેવામાં આવતાં તેની વાસ્તવિક કિંમત અને વેચાણ પ્રક્રિયા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે. સરકારી ગૌચરની મિલકત સાથે સંકળાયેલા આવા વેચાણમાં પંચાયત દ્વારા નિયમસર કાર્યવાહી, પંચાયતના ઠરાવ, જાહેર હરાજી તથા મળવાપાત્ર રકમ અંગે પારદર્શિતા જાળવવી જરૂરી બને છે. પરંતુ અહીં હરાજી વિના બાવળ વેચી દેવાયો હોવાના આક્ષેપથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. સરપંચની મુદત પૂર્ણ થવાના નજીકના સમયગાળામાં ઉતાવળે નિર્ણય લેવાયો હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા છે. સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ, પંચાયતના ઠરાવ, વેચાણની રસીદ અને રકમની વસૂલાતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો