મહુધા તાલુકાના સાકળીયાથી સરદાપુરા ગામને જોડતી કેનાલમાં ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી ખુલ્લી ગટરમાં વહી જવાની ઘટના સામે આવી છે. એક તરફ્ આ કેનાલ પર આધારિત આશરે 500 જેટલા ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળતું ન હોવાની ફરિયાદો છે, ત્યારે બીજી તરફ્ કિંમતી પાણીનો વેડફાટ થતાં કેનાલ વિભાગની કામગીરી સામે સવાલો ઊઠયા છે. પાણીના યોગ્ય વિતરણ અને સંચાલનના અભાવે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં ભરવાની માંગ ઊઠી છે. મળતી માહિતી મુજબ, સાકળીયાથી સરદાપુરા ગામને જોડતી કેનાલમાં એક દિવસ અગાઉ પાણીનો પ્રવાહ વધતાં ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ હતી અને મોટી માત્રામાં પાણી ખુલ્લી ગટર તરફ્ વહી ગયું હતું. આ કેનાલ સાથે આશરે 500 ખેડૂતોની ખેતી અને સિંચાઈની જરૂરિયાતો સંકળાયેલી છે. ખેતીમાં પાણીનું એક-એક ટીપું મહત્ત્વનું હોય છે, ત્યારે ખેડૂતોને સમયસર પાણી ન મળતું હોવાની ફરિયાદો વચ્ચે કેનાલનું પાણી વેડફાતાં ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે. કેનાલમાં પાણી છોડતાં પહેલાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ, પાણીના પ્રવાહ પર નિયમિત દેખરેખ રાખવામાં આવતી હતી કે નહીં અને ઓવરફ્લો અટકાવવા માટે જરૂરી વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી તેવા સવાલો ઊઠી રહ્યા છે. જો પાણીના પ્રવાહનું યોગ્ય નિયંત્રણ અને સમયસર નિરીક્ષણ કરવામાં આવે તો આવી પરિસ્થિતિ ટાળી શકાય છે. જોકે, ઓવરફ્લો થવા પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ખેડૂતોને જરૂરિયાત મુજબ સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ વિભાગ દ્વારા પાણી વિતરણનું વ્યવસ્થિત સમયપત્રક તૈયાર કરવામાં આવે, પાણી છોડતી વખતે પ્રવાહ પર સતત નજર રાખવામાં આવે અને બિનજરૂરી વેડફાટ અટકાવવા અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. સાથે જ, આ ઘટનાની તપાસ કરી સંચાલનમાં કોઈ ખામી કે બેદરકારી જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માગણી થઈ રહી છે. પાણી બચાવવાના સંદેશાઓ વચ્ચે સિંચાઈ માટે ઉપયોગી પાણી ગટરમાં વહી જવાની ઘટના તંત્રના આયોજન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હવે કેનાલ વિભાગ દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે અને ખેડૂતોની પાણીની સમસ્યાનો ક્યારે ઉકેલ આવે છે તે જોવાનું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો