અમદાવાદ જિલ્લાના તાલુકા મથક માંડલ નગરના હૃદયસમા ચબુતરા ચોક ખાતે જાહેર રસ્તા પર એક વ્યક્તિ દારૂના નશામાં ધૂત હાલતમાં પડેલો જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાએ રાજ્યમાં અમલી દારૂબંધીના કાયદાના વાસ્તવિક અમલ સામે સવાલો ઊભા કર્યા છે. નગરના જાહેર ચોકમાં જ આવી સ્થિતિ જોવા મળતાં માંડલ પોલીસની કામગીરી અંગે પણ નગરજનોમાં અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદે વેચાણ થતું હોવાના આક્ષેપો પણ સમયાંતરે ઉઠતા રહ્યા છે. કેટલાક લોકો દ્વારા પોલીસની રહેમનજર હેઠળ દારૂના ધંધાને પ્રોત્સાહન મળતું હોવાની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં જાહેર ચોકમાં નશાની હાલતમાં વ્યક્તિ રસ્તા પર પડેલો જોવા મળવાની ઘટના તંત્ર માટે ગંભીર બાબત બની છે. એક તરફ્ રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ્ માંડલ જેવા નગરમાં જાહેર માર્ગ પર આવી ઘટનાઓ સામે આવતાં કાયદાના અમલ અંગે પ્રશ્નો ઊભા થાય છે. જો વિસ્તારમાં ગેરકાયદે દારૂનું વેચાણ થતું હોય તો તેની સામે પોલીસ દ્વારા નિયમિત તપાસ અને અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્ત્વો સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી? આવા સવાલો હવે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જાહેર માર્ગો અને ચોકમાં નશાની હાલતમાં વ્યક્તિઓ જોવા મળવાથી મહિલાઓ સહિતના રાહદારીઓ, વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓમાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં માત્ર બનાવ બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે દારૂના ગેરકાયદે વેચાણના સ્ત્ર્રોત સુધી પહોંચીને કડક પગલાં ભરવાની જરૂરિયાત છે. નગરજનોની માગ છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવે, દારૂના ગેરકાયદે વેચાણ અંગે મળતી ફરિયાદોની ગંભીરતાથી નોંધ લે અને જો કોઈની સંડોવણી જણાય તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરે. સાથે જ માંડલ વિસ્તારમાં દારૂના વેચાણ અને હેરાફેરી સામે સતત દેખરેખ રાખવામાં આવે.
