માંડલ તાલુકાના વિઠલાપુર નજીક (વિરમગામ-બેચરાજી) હાઈવે ઉપર આવેલ જેસંગપુરા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિરમગામ તરફથી આવી રહેલી હોન્ડા કંપનીના કર્મચારીઓને લઈ જતી લકઝરી (સ્ટાફ બસ) રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાતાં વિસ્તારમાં બસનો અકસ્માત સર્જાયો હતો, બસનો આગળનો ભાગ સંપુર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બસના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બસ વિરમગામ બાજુથી પોતાના નિર્ધારિત રૂટ ઉપર જઈ રહી હતી. જેસંગપુરા ગામ પાસે અચાનક સ્ટાફ લકઝરીના ડ્રાઈવરે સ્યરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતાં રોડની બાજુમાં પડેલ ટ્રક સાથે બસનો આગળનો ભાગ અથડાયો હતો. બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર એટલી ભયાનક હતી કે જેનો અવાજ દુર દુર સુધી સંભળાઈ આવતાં આસપાસના લોકો, વાહન ચાલકો ઘટનાસ્થળે એકઠાં થઈ ચૂક્યાં હતાં. અકસ્માત સર્જાતાં સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરીને શરૂ કરી હતી. બસની કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માફરતે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત સર્જાતાં થોડીવાર માટે હાઈવે ઉપરના અન્ય વાહનોનો ટ્રાફીક જામ થયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક વિભાગને થતાં ટ્રાફિકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને ટ્રાફિક નિયંત્રત કરીને અન્ય વાહનચાલકોની અવરજવરને રાબેતા મુજબ શરૂ કરી હતી.
